Sunday, August 18News That Matters

jay todays

નામ (સંજ્ઞા) અને તેના પ્રકાર

*નામ (સંજ્ઞા) (Noun) :- કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી,ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને નામ કહે છે.

– નામ વાક્યમાં કર્તા કે કર્મ ની જગ્યાએ આવી શકે છે.

– નામ એ સંસ્કૃત ધાતુ ‘नम्’ પરથી ઉતરી આવ્યો છે.

– કોઈપણ વાક્યમાં ક્રિયાપદ મુખ્ય પદ છે એના વિના વાક્ય થઈ શકતું નથી એનો અર્થ વાક્યમાં મુખ્ય હોય છે નામનો અર્થ વાક્યમાં ક્રિયાપદના અર્થ ને નમે છે એને ગૌણ કે અધીન રહે છે.

– નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે.

– નામને અંગ્રેજીમાં ‘Noun’ કહે છે.

નામના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે.

નયન, ભૌમિક, મૌલિન (વ્યક્તિ)

ટેબલ, વાટકી, વાટકી (વસ્તુ)

ગળ્યું, તીખું, ખારું  (ગુણ)

હોશિયારી, ક્રોધ, ભલાઈ (ભાવ)

રમત, ગાયન, વાંચન (ક્રિયા)

નામ અથવા સંજ્ઞાના નીચે મુજબ અલગ અલગ પ્રકાર પડે છે.

સંજ્ઞા વાચક કે વ્યક્તિ વાચક નામ (Proper Noun)
જાતિવાચક કે સામાન્ય નામ (Common Noun)
સમૂહ વાચક નામ (Collective Noun)
દ્રવ્ય વાચક નામ (Material Noun)
ભાવવાચક નામ (Abstract Noun)

(1) વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ (Proper Noun) :-

કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થ થી અલગ પાડી ઓળખવા માટે જે ચોક્કસ (વિશેષ) નામ અપાય છે તેને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે.

 

દા.ત. ભારત, હિમાલય, ગિરનાર, અમદાવાદ વગેરે…

-વ્યક્તિ વાચક નામ સંજ્ઞાવાચક નામ તરીકે પણ ઓળખાય છે.

-પહેલા વ્યક્તિવાચક નામ ને ‘વિશેષ નામ’ એવા પ્રકારથી પણ ઓળખવામાં આવતું હતું.

– આમ જે સંજ્ઞાઓ કોઈ એક ચોક્કસ વ્યક્તિ, પદાર્થ, પ્રદેશ વગેરેને અલગ તારવવા માટે વપરાય છે તેને વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ કહે છે.

ઉદા.  (1) ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા.

(2) મુંબઈ દરિયા કાંઠે વસેલું શહેર છે.

(3) ગંગા હિમાલયમાંથી નીકળે છે.

(2)  જાતિવાચક નામ (Common Noun) :-

વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતા નામને જાતિવાચક નામ કહેવાય છે.

દા.ત. શહેર, વૃક્ષ, નદી, દેશ, પક્ષી વગેરે…

-જે પદાર્થો માં સરખા ગુણ છે તેનો એક વર્ગ બનાવી તેને નામ આપવામાં આવે છે.

દા.ત.

પ્રાણીઓનો વર્ગ — ગાય, હાથી, ઘોડો…, પંખીનો વર્ગ – મોર, ચકલી, કાબર… આવા વર્ગ જાતિને આધારે બને છે. કોઈ પક્ષીને ‘મોર’ કહેવાનું કારણ એવું છે કે એમાં એવા કેટલાક સામાન્ય લક્ષણ કે ગુણ છે જે એને બીજા પક્ષીઓના વર્ગ ચકલી, કાબર થી જુદા પાડે છે. આવા નામને જાતિવાચક નામ કહે છે. જે આખા વર્ગને તેમજ એ વર્ગની ગમે તે કોઈ વ્યક્તિને લાગુ પડે છે.

ઉદા.  (1) મનુષ્ય પોતાના સ્વાર્થ માટે વધુ વિચારે છે.

(2) ભારતમાં અનેક રાજ્યો આવેલા છે.

(3) પુસ્તકો વાંચવા એ સારી બાબત છે.

વ્યક્તિવાચક જાતિવાચક

(1) ભારત આપણો દેશ છે.    ભારત     દેશ

(2) હિમાલય સૌથી ઊંચો પર્વત છે.  હિમાલય    પર્વત

(3) ગંગા ઘણી લાંબી નદી છે.    ગંગા     નદી

(4) કમળ એક સુંદર ફૂલ છે.   કમળ      ફૂલ

(5) મહેશ તોફાની વિદ્યાર્થી છે.    મહેશ   વિદ્યાર્થી

ધ્યાનમાં રાખવા જેવું :-

(1) ઝાડ નીચે ગાય બેઠી છે. – વ્યક્તિવાચક (ઝાડ નીચે બેઠેલી એક ગાયની વાત છે સમગ્ર ગાયની નહિ માટે.)

(2) ગાય એક પાલતુ પ્રાણી છે. – જાતિવાચક (સમગ્ર ગાયની વાત છે કોઈ એક ગાયની વાત નથી.)

(3) મારા આંગણાંનો લીમડો. – વ્યક્તિવાચક (એક જ લીમડાની વાત છે સમગ્ર લીમડાની નહિ માટે.)

(4) લીમડાનું દાતણ ખૂબ સારું. – જાતિવાચક (સમગ્ર લીમડાની વાત છે કોઈ એક લીમડાની વાત નથી.)

(3) સમૂહવાચક નામ (Collective Noun) :-

જે શબ્દ દ્વારા વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમગ્ર જૂથ કે સમૂહનું સૂચન થતું હોય તેવા શબ્દને સમૂહવાચક નામ કહેવામાં આવે છે.

દા.ત. ટુકડી, ફોજ, સમિતિ,વણજાર, મેદની, સમાજ, જંગલ વગેરે…

– આ શબ્દોને જોતા તે જાતિવાચક લાગે છે પણ તેઓ વર્ગને નહીં સમૂહને દર્શાવે છે. જેમકે હાથીઓનું ટોળું, ચાવીઓનુંં ઝૂમખું, માણસોનો સમૂહ.

– સમૂહ એટલે સરખા ગુણો વાળી વ્યક્તિઓનું એકત્ર થવું. સમૂહમાં અમુક ખાસિયત હોય છે જે બીજામાં ન હોય. ‘લશ્કર’ના સમૂહની ખાસિયત ‘કાફલા’ કે ‘વણજાર’ માં ન હોય.

– સમૂહની છૂટી છૂટી વ્યક્તિઓને એ શબ્દ લાગુ પડતો નથી માટે વ્યક્તિવાચક નથી અને વર્ગને લાગુ પડતો નથી તેથી જાતિવાચક પણ નથી.

ઉદા.  (1) મારે એક તાકાતવર સૈન્ય પેદા કરવું છે.

(2) સાંજે ગાયોનું ધણ પાછું ફર્યું.

(3) આકાશમાં ઘણા બધા તારાઓ ના ઝુમખા છે.

(4) દ્રવ્યવાચક નામ (Material Noun) :-

જે શબ્દ દ્વારા કોઈ ધાતુ, અનાજ કે દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓનું સૂચન થતું હોય તેવા શબ્દને દ્રવ્ય વાચક નામ કહે છે.

– આ વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી હોય છે. જેમની ગણતરી એક, બે, ત્રણ રૂપે થઇ શકતી નથી પણ જેનું વજન થઈ શકે, માપ લઈ શકાય એવી વસ્તુઓને દ્રવ્યવાચક નામ કહેવાય છે.

– બહુવચનનો પ્રત્યય પણ લાગતો નથી.

– દ્રવ્ય વાચક સંજ્ઞાઓમાં એવી વસ્તુઓ આવે છે કે જેને ખરીદી શકાય છે.

દા.ત.  ઘઉં, બાજરી, ચોખા, દાળ, સોનુ, ચાંદી, રૂપુ, તાંબુ, ઘી, તેલ, ગોળ, દૂધ, ખાંડ, માટી, ચૂનો, લોટ, લાકડું, મધ વગેરે…

– પહેલી નજરે જોતા આ સંજ્ઞાઓ પણ જાતિવાચક લાગે છે કારણ કે, એ બધી વસ્તુઓની જાતિઓના નામ જ બતાવે છે પણ આપણે એને દ્રવ્યવાચક કહીએ છીએ કારણ કે મુખ્યત્વે એ જથ્થામાં રહેલી છે. એમાંનો શબ્દ મુખ્યત્વે જથ્થાનું સૂચન કરે છે. જેમકે, ‘ઘઉં’ થી માત્ર એક ‘ઘઉં’ નહીં પણ જથ્થો સુચવાય છે. જેને એક, બે એમ ગણી શકાય નહીં.

ઉદા.     (1) ઘરનું ફર્નીચર લાકડા માંથી બનેલું હતું.

(2) ઝેર તો પીધા છે જાણી જાણી.

(3) કંસાર, દાળ, ભાત તૈયાર છે અને રસોઈ ઠરી જાય છે.

ધ્યાનમાં રાખવા જેવું :-

– દ્રવ્યવાચક સંજ્ઞા ‘સોનુ’ કે ‘લાકડું’ શબ્દ માંથી બનતા ‘ઘરેણા’ કે ‘ટેબલ’ દ્રવ્યવાચક નથી પરંતુ જાતિવાચક છે.

(5) ભાવવાચક સંજ્ઞા (Abstract Noun) :-

જે પદાર્થને જોઈ કે સ્પર્શી ન શકાય પણ જે માત્ર અનુભવી શકાય તેવા ગુણ કે ભાવને દર્શાવે તે શબ્દને ભાવવાચક નામ કહેવાય છે.

– ભાવવાચક નામ એટલે એવા નામ જેના વડે ભાવ,ગુણ, ક્રિયા, સ્થિતિ કે લાગણીને ઓળખી શકાય. આ ગુણો સ્વતંત્ર જોવા મળતા નથી પણ કોઈ પ્રાણી-પદાર્થ માં રહેલા હોય છે. જેને મનથી સમજી શકાય છે.

દા.ત.  વિચાર, મૂર્ખાઈ, ભલાઈ, કાળાશ, દયા, ભૂખ, ઊંઘ, જીવન, મૃત્યુ, બળતરા, જાગૃતિ, વિવાહ, મહિનો, કિલોમીટર, ન્યાય, ખરાબ, વાર, સેવા વગેરે…

– ‘મૂર્ખ’ એ ગુણ છે પણ  ‘મૂર્ખાઈ’ એ  મૂર્ખ  હોવાનો ભાવ છે. આ બધી સંજ્ઞાઓને  રૂપ, રંગ, આકાર નથી.  એમને આંગળી ચીંધીને બતાવી શકાતા નથી.

ઉદા.    (1) રાત્રીના સમયે ખાટું ન ખવાય.

(2) મને ગુસ્સો બહુ આવે છે.

(3) પરિવર્તન આ જગતનું મહત્વનું લક્ષણ છે.

– ક્રિયાપદ, વિશેષણ અને જાતિવાચક નામને જુદા-જુદા પ્રત્યય લગાડવાથી ભાવવાચક નામ બને છે.

ક્રિયાપદ પરથી ભાવવાચક નામ          વિશેષણ પરથી ભાવવાચક નામ        જાતિવાચક પરથી ભાવવાચક નામ

રમવું – રમત મૂર્ખ – મૂર્ખાઈ મનુષ્ય – મનુષ્યત્વ

જાગવું – જાગરણ સુંદર – સુંદરતા અધિકારી – અધિકાર

વાંચવું – વાંચન હોશિયાર – હોશિયારી પત્રકાર – પત્રકારત્વ

રોવું – રુદન ઠંડુ – ઠંડક અતિથિ – અતિથ્ય

પરંપરાગત વ્યાકરણમાં નામના મુખ્ય બે પ્રકાર છે.

ઇન્દ્રિયોથી ઓળખી શકાય તેવા પ્રાણી કે પદાર્થ ના નામ

મનથી સમજી શકાય તેવા ગુણ કે ક્રિયાના નામ

ઇન્દ્રિયોથી ઓળખી શકાય એમાં જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક અને  દ્રવ્યવાચક નો સમાવેશ થાય છે.
મનથી સમજી શકાય એમાં ભાવવાચકનો સમાવેશ થાય છે.

ઘણીવાર સંજ્ઞાવાચક/વ્યક્તિવાચક નામનો જાતિવાચક નામ તરીકે પણ ઉપયોગ થાય છે.

જેમકે,

– આ કવિ તો જાણે બીજો શેક્સપિયર.

– એ રાજા બળમાં ભીમસેન, ઉદારતામાં કર્ણ અને સત્યમાં હરિશ્ચંદ્ર છે.

અહીંયા વ્યક્તિવાચક નામ શેક્સપિયર, ભીમસેન, કર્ણ, હરિશ્ચંદ્ર જાતિવાચક નામ તરીકે વપરાયા છે.

– અહીંયા ‘શેક્સપિયર’ એટલે શેક્સપિયર નામનો કવિ નહીં પરંતુ જે કવિની વાત કરવામાં આવી છે, તે શેક્સપિયર જેવી ઉત્તમ કવિતાઓ કરનાર છે.

– ‘ભીમસેન’ એટલે ભીમસેન જેવો બળવાન, ‘કર્ણ’ એટલે કર્ણ જેવી ઉદારતા વાળો અને ‘હરિશ્ચંદ્ર’ એટલે હરીશ્ચંદ્ર જેવો સત્યવાદી.

– ઉપર જણાવેલા નામ જે તે વ્યક્તિના રહેતા નથી, પરંતુ પ્રસિદ્ધ વ્યક્તિમાં રહેલા ગુણો જે જે વ્યક્તિમાં છે તે બધી વ્યક્તિઓનું એક સામાન્ય નામ છે. તેથી સંજ્ઞાવાચક અહીં જાતિવાચક બની જાય છે.

* ઘણીવાર ભાવવાચક નામ પણ જાતિવાચક બની જતા હોય છે.

– તમારો પ્રેમ જોઈ હું બહુ ખુશ થયો.

– તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે.

આ ઉદાહરણમાં ‘પ્રેમ’ કે ‘ઉપકાર’ જે આમ તો ભાવવાચક નામ છે તે ‘પ્રેમના ચિહ્ન’ને કે ‘ઉપકારનું કાર્ય’નો અર્થ સૂચવતા વર્ગ સૂચક બની જાય છે એટલે ઉપરના ઉદાહરણમાં આ જાતિવાચક બની જાય છે.

પદ :-

જ્યારે કોઈ શબ્દ સ્વતંત્ર રીતે ઉચ્ચારાતો હોય ત્યારે તેને શબ્દ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે એ શબ્દ વાક્યમાં વપરાતો હોય ત્યારે એને પદ કહેવામાં આવે છે.

– સામાન્ય રીતે વાક્યમાં વપરાતા શબ્દને ‘પદ’ કહેવાય છે.

ઉદા. છોકરો – શબ્દ

આ છોકરો ખૂબ હોશિયાર છે. – પદ

પદના બે પ્રકાર :- (1) વિકારી પદો  (2) અવિકારી પદો

-> વિકારી પદો – વાક્યમાં જે પદોની મૂળ સ્થિતિમાં ફેરફાર થાય છે તેવા પદોને વિકારી પદો કહેવામાં આવે છે.

દા.ત. છોકરો, છોકરી, છોકરું…

-> અવિકારી પદો – વાક્યમાં જે પદોમાં કોઈ ફેરફાર થતો નથી અને જેમના તેમ રહે છે. તેવા પદોને અવિકારી પદો કહેવામાં આવે છે.

દા.ત. હાથ, પગ…

* વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા

-> વિકારી સંજ્ઞા – જે નામને લિંગ કે વચનનો પ્રત્યય લાગે તેને વિકારી સંજ્ઞા (નામ)  કહેવાય છે.

ઉદા.

(1) છોકરો રમે છે.        –   (1) છોકરાઓ રમે છે.          –   વચન પ્રત્યય

(2) વાછડો ખીલેથી છૂટયો.   –   (2) વાછડી દોડવા લાગી.    –   લિંગ પ્રત્યય

(3) તૂટેલો કપ પડયો.        –   (3) તૂટેલી ડાળી પડી.          –   લિંગ પ્રત્યય

– > અવિકારી સંજ્ઞા – જે નામને લિંગ કે વચનનો પ્રત્યય ન લાગે તેને અવિકારી સંજ્ઞા (નામ) કહેવાય છે.

ઉદા.

(1) ખરાબ છોકરાઓ રમ્યા કરે છે. –   (1) ખરાબ છોકરીઓ ફર્યા કરે છે. – વચન પ્રત્યય

(2) અપંગ પુરુષ મરી ગયો.     –   (2) અપંગ સ્ત્રી ભીખ માગે છે. – લિંગ પ્રત્યય

(3) છોકરાએ લાડવો ખાધો.     –   (3) છોકરીએ લાડવો ખાધો. – લિંગ પ્રત્યય

નીચેનું વેબ સાઈટમાં લખેલું નથી

(6) ક્રિયાવાચક નામ (આ પ્રકાર માત્ર જાણકારી માટે)

(6) ક્રિયાવાચકનામ :-

જે નામ ક્રિયાને દર્શાવે તેમને ક્રિયાવાચક (ક્રિયાવાચી) નામ કહેવામાં આવે છે.

– ક્રિયા દર્શાવવા માટે ક્રિયાપદનો ઉપયોગ થાય છે.

– જો ક્રિયા વિશે વાત કરવી હોય તો ક્રિયાવાચી નામ બનાવીને કરવામાં આવે છે.

– ભાષામાં ક્રિયાવાચી નામો ધાતુ પરથી બને છે.

દા. ત. – રમત, આવડત, જમણ, દોડ, ગોઠવણ, મથામણ વગેરે…

– ક્રિયાની વાત કરવી હોય તો ધાતુ પરથી નામ બનાવવું પડે.

ક્રિયાપદ – ક્રિયાવાચક નામ

સીવવું – સીવણ

રમવું – રમત

વાંચવું – વાંચન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *